ગટુ અને બટુ માટે વાર્તા – નિરંજન મહેતા

    આજે ગટુના ઘરે તેના દાદાના મિત્ર નીરુભાઈ મુંબઈથી USA આવ્યા હતા તે મળવા આવવાના હતા. દાદાએ ગટુને કહ્યું હતું કે આ નીરુદાદા મારા સ્કુલ સમયના મિત્ર છે અને તે બહુ સરસ વાર્તાઓ લખે છે.
આ સાંભળી ગટુએ કહ્યું કે તો તો હું તેમને મને અને બટુને વાર્તા કહેવા જરૂર કહીશ. દાદાએ કહ્યું એ તો બાળકો માટે નહિ પણ મોટા માણસો માટે વાર્તા લખે છે. તેમ છતાં તેની પાસે જૂની વાર્તાઓ યાદ હશે તો જરૂર કહેશે.


જ્યારે નીરુદાદા આવ્યા ત્યારે દાદાએ તેને કહ્યું કે આ મારો પૌત્ર ગટુ છે જે ‘વાર્તા કહો, વાર્તા કહો.’ કહી તારો જીવ ખાઈ જશે. અરે મને એટલા પ્રશ્નો કરે છે કે હું પણ થાકી જાઉં છું. છતાં બને તેટલી ધીરજ રાખી હું તેની જિજ્ઞાસાને સંતોષવાનો પ્રયત્ન કરું છું. 
નીરુદાદા બોલ્યા કે,  ‘બાળક છે એટલે તે આમ જ કરશે. પણ તેને વાર્તાનો શોખ છે તે જાણી આનંદ થયો કારણ આજની પેઢીને ક્યા આ બધામાં રસ છે? તેમને તો ટી.વી. અને મોબાઈલની લત લાગી છે એટલે પુસ્તકો પણ નથી વાંચતા. પુસ્તકો તો જ્ઞાનનો ભંડાર છે અને તે દ્વારા જે જ્ઞાન મળે છે તે અમુલ્ય હોય છે.’
હવે ગટુથી ન રહેવાયું. ‘તમે બંને વાતો કરીને મને ભૂલી ગયા.’
‘અરે તને એમ ભૂલાય?’ નીરુદાદા બોલ્યા. ‘બોલ, તને કેવી વાર્તા સાંભળવી ગમે?’
‘મને એક તો બટુએ નેપોલિયનની વાર્તા કરી. બીજી એક વાર્તા હતી ક્રેબની. વળી વિનોદદાદાએ ડોન્કીની વાર્તા કરી હતી જેમાં ડોન્કી બહુ ચાલાક એનિમલ છે એમ જાણ્યું. હું તો માનતો હતો કે ડોન્કી ફૂલીશ એનિમલ છે. એમ તો મારા દાદા પણ વાર્તા કહે છે. પણ તેમની પાસે કિંગ અને ક્વીનની વાતો બહુ હોય છે. તમે મને અને બટુને કોઈ નવી સ્ટોરી કહો.’
‘તે કાચબા અને સસલાની વાર્તા સાંભળી છે?’
‘કાચબો એટલે?’
‘કાચબો એટલે ટોરટોઇસ (tortoise) અને સસલું એટલે હેર (hare).’
‘નો, અમે નથી સાંભળી. અમને તે કહોને.’
‘સસલું એક નાનું એનિમલ. પણ તેને બહુ અભિમાન. અભિમાન એટલે એરોગન્સ. તેને એમ કે તેના જેવી ઝડપથી એટલે કે સ્પીડથી કોઈ દોડી ન શકે.
‘એક દિવસ તેણે કાચબાને કહ્યું કે મારા જેવી સ્પીડ તારામાં નથી કારણ તું બહુ સ્લો ચાલે છે. કાચબાએ કહ્યું કે ભલે હું ધીમે – સ્લો ચાલુ પણ હું મારા ગોલ પર જરૂર પહોંચું છું.
‘ચાલ આપણે રેસ કરીએ. અહીથી પેલું મંદિર દેખાય છે ત્યાં સુધીમાં કોણ પહેલું પહોંચે છે તે જોઈએ. જો કે પહેલો તો હું જ પહોંચીશ.
‘મંદિર લગભગ હાફ માઈલ હતું. તેમ છતાં કાચબાએ હા પાડી. અન્ય એનિમલ્સ પણ ત્યાં હતા તેમણે કાચબાને રેસ ન કરવા કહ્યું પણ કાચબો તો મક્કમ હતો.’
‘મકકમ એટલે?’ બટુએ સવાલ કર્યો.
‘મક્કમ એટલે ફર્મ (ફર્મ). જે પોતાની વાતને છોડે નહિ તેને મક્કમ મનનો કહેવાય.’ નીરુદાદાએ કહ્યું.
‘આગળ કહો ને શું થયું?’ ગટુએ ઉતાવળે કહ્યું.
‘સસલાને તો પોતાની જાત ઉપર બહુ અભિમાન હતું એટલે એ તો દોડવા માંડ્યું જ્યારે કાચબાએ પોતાની ધીમી ચાલથી શરૂઆત કરી. થોડે દૂર ગયા પછી સસલાએ પાછળ ફરી જોયું તો કાચબાભાઈ બહુ દૂર હતા. ઓપન ગ્રાઉન્ડ હતું એટલે સસલાભાઈ તો દોડીને થોડા થાકી ગયા હતાં એટલે વિચાર્યું કે લાવ થોડી વાર પેલા ઝાડ નીચે આરામ કરું. કાચબાભાઈ આવે તે પહેલા તો હું ફરી દોડીને મંદિરે પહોંચી જઈશ.
‘પણ ધારીએ કાઈ અને થાય કાઈ. સસલાભાઈ તો એવા થાકી ગયા હતા કે ઘસઘસાટ સુઈ ગયા. હવે ઘસઘસાટનો અર્થ તમને નથી ખબર કેમ? ઘસઘસાટ એટલે ડીપ સ્લીપ. થોડીવારે કાચબાભાઈ ત્યાં આવી પહોંચ્યા અને જોયું તો કાચબાભાઈ ઊંઘે છે એટલે એ તો અટક્યા વગર આગળ ચાલવા લાગ્યા.
‘થોડીવારે સસલાભાઈ જાગ્યા અને જોયું તો કાચબાભાઈ દેખાયા નહિ એટલે માન્યું કે હજી તે બહુ પાછળ છે એટલે હું આરામથી મંદિરે પહોંચી તેની રાહ જોઉં. આમ વિચારી તે મંદિર તરફ દોડ્યો પણ ત્યાં પહોંચ્યો ત્યારે જોયું કે કાચબાભાઈ તો ઓલરેડી પહોંચી ગયા છે અને તેની રાહ જુએ છે. સસલાને નવાઈ લાગી કે આમ કેવી રીતે થયું? એટલે તેણે કાચબાને પૂછ્યું. કાચબાએ કહ્યું કે તું તો ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો જ્યારે મેં ચાલવાનું ચાલુ રાખ્યું હતું એટલે હું ટાઈમસર પહોંચી ગયો. આ સાંભળી સસલાને બહુ શરમ આવી અને કહ્યું કે મને જે અભિમાન હતું તે હવે નથી રહ્યું.
‘બોલો તમે બંને આ વાર્તામાંથી કાઈ શીખ્યા?’
‘હા,’ ગટુએ કહ્યું, ‘નો એરોગન્સ. બીજાની તાકાત ઓછી નહિ ગણવાની.’
તો બટુ બોલી કે મને મારા પપ્પાએ એક વાર કહ્યું હતું કે slow and steady wins the race. પણ તેમને તે વાત સમજાવી ન હતી. આજે નીરુદાદાએ વાર્તા કહી તે પરથી મને એ વાત સમજાઈ ગઈ. હવે હું એગ્ઝામમાં ઉતાવળ નહિ કરું અને શાંતિથી પેપર લખીશ.’
‘હું પણ તેમ જ કરીશ.’ ગટુએ સાથ આપ્યો.
‘વાહ, તમે બંને તો સમજદાર છો, કારણ વાર્તા બરાબર સમજી ગયા.’
‘હજી એક વાર્તા કહોને.’
એટલે દાદા બોલ્યા, “નીરુભાઈ મેં તમને ચેતવ્યા હતા. હવે ભોગવો. પછી કહ્યું કે હવે જમવાનો ટાઈમ થઇ ગયો છે અને પછી નીરુદાદા થોડો આરામ કરશે એટલે બીજી વાર્તા સાંજે કહેશે.”

 બંને બાળકોને આ વાત માનવી પડી અને સાંજ થવાની રાહ જોવા લાગ્યા.

 – નિરંજન મહેતા
[ બે એરિયા ]

તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *