ઘણાં સમય પહેલાની વાત છે, ત્યારે હાથીનું નાક એકદમ ચપટું હતું. હાથીને ફળ સુંઘવામાં પણ ઘણી તકલીફ થતી. બધાને એ વાતે હાથીની બહુ દયા આવતી. માખી ને મધમાખી એનાં ચપટા નાક પર બેસીને એને બહુ હેરાન કરતાં.
એક દિવસ હાથી તળાવના કિનારે ઘસઘસાટ સૂતેલો.એ તળાવમાં એક મગર રહેતો હતો. વહેલી સવારે મગર હાથીને તળાવ કિનારે જોઇને ડરી ગયો. શિકારને તળાવમાં ખેંચી જવા હાથીનું નાક પકડ્યું. હાથી ભર ઉંઘમાંથી ઉઠ્યો, એણે બચાવો બચાવો બૂમો પાડવા માંડી. બધા પશુ પંખી જાગી ગયા.
‘અરે! આ મગરને શું થઇ ગયું? હાથીને કેમ તળાવમાં ખેંચે છે?’
પછી તો વાંદરાએ હાથીની પૂંછડી પકડી, જિરાફે વાંદરાની પૂંછડી પકડી, સિંહે જિરાફની પૂંછડી પકડી એમ એક પછી એક બધા મળીને મોટા હાથીને મગર પાસેથી બચાવવા લાંબી સાંકળ બનાવી.
હઇસા રે હઇસા, જોર લગા કે હઇસા,
ખેંચો રે ભઇ હઇસા, મગરથી છોડાવો હઇસા,
હાથીનું નાક મગરે એટલું જોરથી પકડેલું તે લાંબુને લાંબુ થતું જાય પણ મગર છોડે નહીં. હાથી બૂમો પાડે, ‘છોડ મગરડા, બચાવો મને.’
અને બધા પશુ ફરીથી જોર લગાવીને હાથીને ખેંચવા લાગ્યા.
હઇસા રે હઇસા, જોર લગા કે હઇસા,
ખેંચો રે ભઇ હઇસા, મગરથી છોડાવો હઇસા,
ને ધબાક….હાથી ઉંધો પડ્યો ને બધા પશુ એની નીચે…..મગર ડરીને પાણીમાં પાછો જતો રહ્યો. હાથી ઝટ કરીને ઉઠ્યો ને જોયું તો એનાં નાકને શું થયું? લાંબુ લાંબુ નાક, એ તો આમ હલાવે ને તેમ હલાવે. બધા પશુ – પંખી હાથીના લાંબા નાકને જોઇને હસવા લાગ્યા. જંગલ આખામાં વાત ફરી વળી. બધા હાથીને જોવા ભેગા થયા,
હાથીએ જોરથી ફૂંક મારી તો પૂંપૂંપૂં……..બધાને બહુ મજા પડી. હાથી પણ ગેલમાં આવી ગયો. લાંબા નાકમાં પાણી ભરીને ફૂંક મારી તો મોટો ફૂવારો થયો. બધા મન ભરીને રમ્યા. હાથી મોટા મોટા ઝાડ પરના ફળ ખૂબ સરળતાથી તોડી શકતો એ જોઇને તો બધા બહુ ખુશ થઇ ગયા.
બધાએ મળીને હાથીના લાંબા નાકનું નામ સૂંઢ રાખ્યું.
-આફ્રિકન વાર્તાના આધારે
તમને આ સામગ્રી અને આ બ્લોગ ગમ્યાં હોય તો તમારા મિત્રોને તેમનાં બાળકોના ઉપયોગ અને વિકાસ માટે આની જાણ કરશો ને?