આત્મબળ

    જો તમે જીવવાનો વિચાર ન છોડો તો
હાર પણ
તમારી નજીક ફરકતા વિચારશે.

      આ શબ્દો છે મોતના દરવાજેથી પોતાના આત્મબળે પાછી આવનાર નિધી ચાફેકરના.

     

     નિધી ચાફેકર…નામ જાણીતુ લાગે છે? કદાચ એ નામ પરિચિત ના પણ લાગે પણ ૨૦૧૬ ની ૨૨મી માર્ચે બ્રસેલ્સના ઝેવેન્ટેમ એરેપોર્ટ પરના આતંકી હુમલાથી તો આપણે માહિત છીએ જ. એ સમયે થયેલા આતંકી હુમલામાં ૩૨ વ્યક્તિઓએ જાન ગુમાવી અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા. નિધી ચાફેકર બ્રસેલ્સથી ઇન્ડીયા પરત થતી જેટ ઍરવેઝની ઇનફ્લાઇટ મેનેજર હતી.

      એક બોમ્બ બ્લાસ્ટથી ચોતરફ વેરાયેલા વિનાશ અને ઍરપોર્ટના ભેંકાર ખંડીયેર વચ્ચે બીજા એક વધુ બોમ્બ બ્લાસ્ટના લીધે ફૂટબોલની જેમ ફંગોળાયેલી નિધીનું શરીર ધડાકાના લીધે દાઝીને કાળુ પડી ગયું હતું. શરીર પણ ઉભા થવા સાથ નહોતું આપતું.  નિધીના શરીરમાં લોખંડના ૪૭ જેટલા ટુકડા તો પ્રથમ સર્જરી સમયે જ કાઢી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજી બારેક સર્જરીમાં લોખંડની ઝીણી ઝીણી અસંખ્ય કરચો કાઢવામાં આવી. પચ્ચીસ ટકાથી પણ વધુ જેટલા બળી ગયેલા શરીર પર સ્કિન ગ્રાફ્ટીંગ સર્જરી પણ થઈ. કાનમાં બોમ્બના ટુકડા ઘૂસી ગયા હોવાથી કાનનો પડદો ફાટી ગયો હતો.  ભાનમાં આવે ત્યારે યાદદાસ્ત પણ સાથ  આપતી ન હતી. સર્જરી દરમ્યાન અનેક વાર થયેલા ઇન્ફેક્શનના લીધે  કદાચ સૌએ એના જીવવાની આશા છોડી દીધી હતી. 

      એવા સંજોગોમાં પણ ડોક્ટરોના પ્રયાસો અને અર્ધ ચેતનાવસ્થામાં પણ સતત હકારાત્મક અભિગમ અને લડી લેવાના દ્રઢ મનોબળથી નિધીએ મોતના આ જંગ સામે વિજય પ્રાપ્ત કર્યો. આજે પણ એની એક આંખમાંથી લોખંડનો ટુકડો નિકળ્યો નથી. જ્યારે સંપૂર્ણ હોશો-હવાસ મેળવ્યા ત્યારે નિધી આપમેળે ચાલી પણ શકતી નહોતી. ગગનમાં ઊંચી ઊડાન ભરનાર નિધી વૉકરના સહારે આવી ગઈ હતી.

      એ પોતાના અનુભવને આધારે કહે છે કે,

    'આપણને ઉભા કરવા માટે દવાઓ માત્ર ૨૦ ટકા અને ૮૦ ટકા આત્મબળ – વ્યક્તિનો પોતાનો હકારાત્મક અભિગમ જરૂરી છે. જીવવાની જિજીવિષામાંથી જીતવાની જિજીવિષા ઉત્પન્ન થાય છે.' 'There is no gain without pain”. આ વિશ્વમાં હું એકલી જ નથી.

        જેને ઇશ્વરના આ આશીર્વાદ મળ્યા હોય. દુનિયાની પ્રત્યેક વ્યક્તિને ધૈર્ય, શૌર્ય અને શક્તિના ઇશ્વરદત્ત આશીર્વાદ મળેલા જ હોય છે. જરૂર છે માત્ર એને પારખવાની. સમસ્યાઓ આવે છે આપણને તોડી નાખવા નહીં, પણ જોડી રાખવા. આપણને આપણી જાતની ઓળખ આપવા , આપણી જ શક્તિઓથી જાત જોડે જોડી રાખવા. જ્યારે મુશ્કેલીઓ આપણને તોડવા કટીબદ્ધ થાય છે ત્યારે આપણે એની સામે લડવા કેટલા કટીબદ્ધ છીએ એના પર આપણી જીત નિર્ભર છે.

       જ્યારે આપણા અસ્તિત્વને ટકાવી રાખવાની વાત આવે છે ત્યારે જો એમ વિચારીએ કે હવે શું થશે એના બદલે એમ વિચારીએ કે શું નહી થઈ શકે? બધુ જ શક્ય છે. મનમાં જો સંભવત શક્યતાઓને પ્રાધાન્ય આપવા માંડીએ તો આખું બ્રહ્માંડ આપણી પડખે આવીને ઊભું રહેશે. સતત પોતાની જાતને એક વિશ્વાસ-એક ખાતરી આપતા રહો કે આજે જે પરિસ્થિતિ છે એ કાલે રહેવાની નથી. પગ નીચે દરિયાનું મોજું આવ્યું છે એ માત્ર પગ ભીના કરીને પાછુ વળી જવાનું છે. જરૂર છે એ સમયે પગ નીચેથી સરકતા પાણીની સાથે વહી જવાના બદલે સ્થિરતાથી જાતને જમીન સાથે જકડી રાખવાની.

જીવનમાં જેટલો જરૂરી છે પ્રેમ, વિશ્વાસ, સંબંધોની સાર્થકતા એનાથી વધુ જરૂરી છે આત્મબળ.

- રાજુલ કૌશિક

તેમનો બ્લોગ ' રાજુલનું મનોજગત' 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *