દાઢીવાળો જોગી

સુરેશ જાની - જાન્યુઆરી - ૨૦૧૧

      બપોરના એક વાગી ગયા છે. મારા પેટમાં બરાબરની લ્હાય લાગી છે. પરદેશથી આવનારને ભાગ્યે જ લાગુ ન પડતી હોય તેવી, પેટની પીડા બે દિવસથી ભોગવતો આવ્યો હતો. અને એના કારણે, જાત પર લાદેલ, સખત  આહાર નિયમન આના માટે જવાબદાર હોય – તેમાં નવાઈ પણ શી? હું શાળાના આચાર્યે ચા પીવા બોલાવ્યો હોવાના કારણે પેટમાં નાનકડી શાંતિ મેળવી; મોટી શાંતિ ક્યારે થશે; એની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.

      પરંતુ એ દાઢીવાળો જોગી તો એના કામમાં મશગુલ છે. સદભાગ્યે એની સમજુ પત્ની તૃપ્તિબેન મારો ખ્યાલ કરી ત્યાં આવી પહોંચે છે. સાથે લાવેલી કોફી પીવા મને વાનમાં આમંત્રે છે. હું તરત એ આમંત્રણ સ્વીકારી લઉં છું – પણ મારું ધ્યાન તો સાથે લાવેલા, વઘારેલા,  ચટાકેદાર ઢોકળાના ડબ્બા પર જ છે! વાનમાં હું તે ડબો ફટાફટ ગોતી કાઢું છું; અને શિષ્ટાચારને બાજુએ મેલી; તૃપ્તિબેનને કહું છું,” અખિલભાઈની રાહ ન જોઉં તો ચાલશે ને?”

     તૃપ્તિબેન મારી વ્યથા સમજીને હસીને કહે છે,” લો! સાથે આ ચટણી પણ.”

     હવે ખ્યાલ આવી ગયો ને, એ દાઢીવાળો જોગી કોણ?

    અલબત્ત અખિલ સુતરીયા જ હોય ને?

      હું અખિલભાઈની સાથે એમના ‘માર્ગદર્શન’ના કામને પ્રત્યક્ષ નિહાળવા, તેમની સાથે વલસાડથી થોડે દૂર આવેલા એક નાનકડા ગામની શાળામાં આવ્યો છું.

     ચારે બાજુ ખેતરોથી ઘેરાયેલી એ સાવ નાની શાળાના છેવાડેના એક રૂમમાં બાળકોની હકડે ઠઠ ભીડ વચ્ચે એ જોગી, એના વિડીયો-પ્રવચનમાં મશગૂલ છે. બાળકોની સાથે માનસિક તાદાત્મ્યમાં એ તો  ધ્યાનસ્થ છે! એને ખાવા પીવાની કશી પડી નથી.

      હું તૃપ્તિબેનને પૂછું છું ,” અખિલભાઈને પણ ભૂખ તો લાગી જ હશે ને?”

      તેઓ હસીને કહે છે,”એમને તો એમનો ખોરાક સવારના નાસ્તામાં મળી ગયો છે! તમતમારે નિરાંતે જમી લો. બે દિ’ના ભૂખ્યા છો.”

---------------

        આ માણસ દાઢીધારી છે; જોગી છે; પાગલ છે. એનું પાગલપન છે –

 ‘છેવાડાની શાળાઓના બાળકોમાં
આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડવાનું.’ 

       કમ્પનીઓમાં મેનેજમેન્ટના માનવવિકાસ અંગેના સેમિનારોમાંથી મળતા ફાજલ સમયનો ઉપયોગ; ગામડે ગામડે ફરી, આ આહલેક જગાડવાનો તેમણે ભેખ ધારણ કર્યો છે.

      થોડીક વારે બાળકોની એ બેચ સાથેનો સત્સંગ પતાવી અખિલભાઈ પણ વાન પાસે આવી પહોંચે છે. પણ એમની પાસે સરસ મજાનાં ઢોકળાં ખાવાનો સમય નથી. થર્મોસમાં રાખેલી કોફી ઝટપટ ગટગટાવી, એ બીજી બેચના બાળકો સાથે ભળી જવા આતૂર છે.

      મારી દોઢ દિવસની અખિલભાઈ સાથેની મૂલાકાતમાં, ગુજરાતના બાળકો અને યુવાનોમાં જાગૃતિ લાવવાની એમની ધગશ સતત વર્તાતી રહે છે. એમની પત્ની તૃપ્તિ એમની સાચા અર્થમાં સહધર્મચારિણી છે. અહીં એ એમની ‘સેમિનાર આસિસ્ટન્ટ’ છે.  એમનો એક દિકરો ઉદય – ઉદયપુરમાં નોકરી કરે છે; બીજો ઉમંગ કચ્છના આદિપુર ગામમાં પોલિટેક્નિકમાં ભણે છે.

      આવતાં જ મેં એમને  મારાં બનાવેલાં ઓરિગામી મોડલો ભેટ આપ્યાં હતાં. એમને બહુ ગમ્યાં. પણ આ જોગી એટલાથી શેં સંતોષાય? સાંજના થાક ઉતારવાની જગ્યાએ એ તો મારી પાસે બે મોડલો બનાવડાવે છે; અને એની વિડીયો ઉતારી લે છે – એમના સંગ્રહમાં ઉમેરો કરવા. કદિક એનો લાભ પણ બાળકોને મળશે. ( છેક નીચે બીજા વિડિયોની સાથે એ વિડિયો પણ સામેલ છે.)

બસ આ જ ધૂન – સતત એ જ ધખારો.

       ગુજરાતના બાળકો અને યુવાનોમાં ધસમસતું  જીવન અમૃત સિંચતા રહેવાનો. ધનપ્રાપ્તિ, યશપ્રાપ્તિ, પ્રતિષ્ઠા પાછળ કોઈ દોડ નહીં. થોડામાં ઘણું ગણી જીવાતું, સંતોષ અને આનંદથી ભરપૂર અને છતાં સતત પ્રવૃત્તિથી ભરપૂર જીવન. સામ્પ્રત સમયના બહુ જ ઝડપથી વિસરાતા જતા, મૂલ્યોના માહોલમાં તેમણે  ઊપાડેલ કામ એક તો શું – અનેક માણસોની ટીમ માટે પણ આકાશ કુસુમવત છે. પણ એની આ જોગીને કશી ચિતા નથી. પોતાના જીવનના એક અંશની આહૂતિ આ યજ્ઞમાં અર્પવાનો એને હરખ છે.

      ગાંઠના ફાજલ સમયનો આવો અપ્રતિમ ઉપયોગ કરનાર ભાઈ શ્રી. અખિલ સુતરિયાને શત શત પ્રણામ.

      ગુજરાતનાં બાળકો અને યુવાનોના કમનસીબે આ જોગી હવે નથી. ૮ , ડિસેમ્બર -૨૦૧૨ ના રોજ એમના દીકરાને ઘેર ઉદયપુરમાં એમનું નિધન થઈ ગયું.

      કદાચ ગુજરાતની બેકદરદાની નિહાળી બીજા કોઈ પ્રદેશમાં એમની સેવાઓ સિંચવા એમની ટ્રાન્સફર થઈ ગઈ હશે. જો અખિલ ભાઈ જીવતા હોત તો ઈ-વિદ્યાલય એમના વિડિયોથી ધમધમતું હોત. કદાચ અનેક 'અખિલો'ને  આ યજ્ઞકાર્યમાં જોટાવા એમણે પ્રેરણા આપી હોત. 

     સમસ્ત ગુજરાત વતી ઈ-વિદ્યાલય એમની છઠ્ઠી પૂણ્યતિથિ પર એમને આ શ્રદ્ધાંજલિ સમર્પિત કરે છે.

     એવી શ્રદ્ધા સાથે કે, એમનું કામ આગળ ધપાવવા કોઈ બીજો જોગી જાગે. જો એમ થાય તો ઈ-વિદ્યાલય એમનું ઈ-ઘર છે.

    ઘણા બધા ફોટા સાથે  મૂળ લેખ આ રહ્યો 

     અખિલ ભાઈનો ટૂંક પરિચય અહીં....

     એમની વેબ સાઈટ 'માર્ગ દર્શન'  આ રહી

      એમની યુ-ટ્યુબ ચેનલ આ રહી 

-- -- -- --
-- -- -- --

One thought on “દાઢીવાળો જોગી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.