- વિનોદ પટેલ
એકવાર દાલમિયા શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદારના સેક્રેટરીને મળવા આવ્યા. તેમણે કહ્યું કે, "દાલમિયા શેઠ ચૂંટણી-ફંડ માટે બે લાખ રૂપિયા આપવા માગે છે, સરદાર એ સ્વીકારશે ?"
સરદારને આ વાત તેમના સેક્રેટરીએ કહી તો તેમણે હા પાડી, પછી બીજા દિવસે ફરીથી શેઠનો સેક્રેટરી આવ્યો અને સરદારના સેક્રેટરીને કહ્યું કે, "દાલમિયા શેઠ ઇચ્છે છે કે સરદાર તેમના ઘરે ચા પીવા આવે અને ત્યાં જ તેઓ આ રકમ આપશે."
સરદાર આ સંદેશો સાંભળતાં જ તાડૂકી ઊઠયા, તેમણે કહ્યું , "જુઓ, તેમને કહી દો કે, તેઓ બે લાખ રૂપિયા આપીને મારી પર કે કોંગ્રેસ પર કોઇ ઉપકાર નથી કરતા. એમને સ્પષ્ટ જણાવો કે હું તેમના ઘરે નહીં આવું. તેમને ચેક આપવો હોય તો આપે."
આ વાત સાંભળીને દાલમિયા શેઠે પચીસ હજાર વધારે ઉમેરીને સવા બે લાખનો ચેક સરદારને મોકલી આપ્યો. આ હતી સરદારની રાજકીય સૂઝ, ખુમારી.
એ સાથે સરદારનાં હૃદયની ઋજુતા પણ જુઓ. પંદર દિવસ પછી સરદાર સામેથી કહેવડાવી દાલમિયાને ત્યાં ચા પીવા ગયા.
ચૂંટણી ભંડોળ ઉઘરાવવા અને વાપરવા માટે સરદારે કેટલીક નીતિવિષયક રેખાઓ પણ નક્કી કરીને દરેક પ્રાંતિક કોંગ્રેસ સમિતિને મોકલી આપી હતી. સરદારની પ્રતિષ્ઠા અને કોંગ્રેસ પરનો તેમનો પ્રભાવ લોકોમાં અનેરો ઉત્સાહ અને વિશ્વાસનો સંચાર કરતા હતા.
નોંધ - નીચેનું ચિત્ર પર ક્લિક કરી તેને મોટું જોઈ શકશો. ત્યાં ફરી ક્લિક કરી પાછા અહીં આવી શકશો.