- રાજુલ કૌશિક
એક ચાટ વાળો હતો. જયારે પણ ચાટ ખાવા જઇએ ત્યારે એમ જ લાગે કે એ આપણી જ રાહ જોઈ રહ્યો છે. વાતોડિયો પણ ભારે. દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. એક વાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ.
નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને ત્યાં ઊભેલામાંથી કોઇએ વિચાર્યું કે, ચાલો આજે એની ફિલોસોફી જોઈએ.
સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબથી? એના જવાબથી તો કદાચ આપણા સૌના મનમાં જામેલા અવઢવના તમામ જાળા સાફ થઈ જશે.
એ કહેવા લાગ્યો કે, " આપણું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી આપણી પાસે હોય છે અને એક મેનેજર પાસે. આપણી પાસે જે ચાવી છે એ પરિશ્રમ. અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બંને ચાવી ના લાગે ત્યાં સુધી તાળું ખુલી શકે નહિ. આપણે કર્મયોગી માનવ છીએ અને મેનેજર ભગવાન."
પણ
આપણી ચાવી લગાવતા તો રહેવું જ જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે! ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્ય વાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમવાળી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય.
આ કર્મ અને ભાગ્યનું સુંદર અર્થઘટન છે.
---
અહીં વાત યાદ આવે છે રાઇટ બ્રધર્સની. અત્યારે આપણે સહેજ ઉપર નજર કરીએ તો દૂર ક્યાંકને ક્યાંક તો એક બે વિમાન ઊડતાં નજરે પડશે જ. કોઇપણ સ્થાનિક કે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જઈને ઊભા રહો. પ્રત્યેક મિનિટે વિમાન ઊપડતું કે ઊતરતું દેખાશે. પણ એક સમય હતો જ્યારે આ રાઇટ બ્રધર્સ પોતાના સાઇકલના નાનકડા ધંધામાંથી મળતા પૈસા એકઠા કરીને વિમાનની શોધ પાછળ અવિરત મહેનત કરતા હતા.
તેમના આ પ્રયાસો કે પ્રયોગોની છાપાવાળા, તેમની આસપાસના લોકો તો ખરા જ; પણ વૈજ્ઞાનિકો સુદ્ધા હાંસી ઊડાડતા હતા. વૈજ્ઞાનિકો પણ માનતા કે, આ વ્યર્થ, અર્થહીન આયાસો છે કારણકે હવાથી વધુ વજન ધરાવતી કોઇ ચીજ ક્યારેય ઊડી જ ન શકે. અનેક વાર તેમની નિષ્ફળતાની વાતો છપાઇ અને કહેવાતું કે માનવી જો ઊડી જ શકતો હોત તો ઇશ્વરે જ આપણને પાંખો ના આપી હોત?
જ્યારે સમગ્ર વિશ્વ તેમની વિરૂદ્ધમાં હતું ત્યારે પણ તેમણે કર્મ કરવાનું ન છોડ્યું અને એક દિવસ ભાગ્ય બેંકના લોકરની ચાવી ઇશ્વર નામના મેનેજરે કામે લગાડી. રાઇટ બ્રધર્સના કર્મ અને ભાગ્યનો સુભગ સમન્વય થયો . એમનું પહેલું વિમાન Kitty Hawk , North Carolina ખાતે ૪૦ સેકન્ડ માટે અને ૧૭૬૦ ફૂટ સુધી ઊડ્યું !
રાઇટ બ્રધર્સ તો માત્ર એક જ દ્રષ્ટાંત છે. જરા જોઇશું તો આવા કેટલાય કર્મ અને ભાગ્યની સંયુક્ત ચાવીઓથી ભાગ્યોદય થયો હોય એવા દ્રષ્ટાંત જોવા મળશે.
જતિનભાઈ અને સુરેશભાઈ,
વાર્તા સાંભળવી કોને ના ગમે ?
નાના હતા ત્યારે કંઈક સારુ શિખવાડવા મા કે દાદી-નાની સીધી સલાહ આપે એના કરતાં નાનકડી પણ મઝા પડે એવી કોઈ વાત કે વાર્તા કહે. વાતના અંતે એમાંથી શું સારુ કે સાચુ એ સમજાવે એ સાંભળવું અને સમજવુ ગમતું. આજે હજુ પણ એ નાનપણનો કોઈક અંશ મારામાં જીવે છે એટલે જ કદાચ આવી રીતે હું વાત મુકી શકુ છું.
મારો દિકરો સ્કૂલમાં હતો ત્યારે સેન્ટ ઝૅવિયર્સમાં મોરલ સાયન્સ કરીને એક વિષય આવતો જેમાં આવો કોઈ નાનો દ્રષ્ટાંત/ વાત મુકીને મોરલ ઓફ ધ સ્ટોરી…. કહેતા. એમાં મારા દિકરાને પણ રસ પડતો અને હોંશે હોંશે એ વાંચતો.
આજની પેઢી માટે તો વળી પુસ્તકો ઉપરાંત આવા ઓડિયો/ વિઝ્યુઅલની સગવડ વધી છે જેનાથી બાળકો માટે વાત વધુ રસપ્રદ રીતે મુકી શકાય છે જે સુરેશભાઈ કરી રહ્યા છે.
સુરેશભાઈ આજની પેઢીને અનુરૂપ ચિત્રો/ વિડીયો ઉમેરે છે એટલે જો મઝા ! બાળકો આપણને સાંભળે કે ના સાંભળે સ્ક્રીન સાથે તો કનેક્ટ થઈ જ જાય છે.
એટલે આજે મારા લેખ લેખે લાગ્યા એનો મને આનંદ છે..
ઘણું સરસ દ્રષ્ટાંત છે, ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગીતામાં
કર્મ અંગે આ જ વાત કરી છે, જૈન ધર્મ તો આખો કર્મ
ઉપર જ આધારિત છે.