બકો જમાદાર – ૨

  -   જયશ્રી પટેલ

      

     નમસ્તે બાળકો...પ્યાર સહિત, આવી ગયો રૂડો રૂપાળો મંગળવાર! કેવું લાગે છે બધાને નીત નવી, રૂડી ને મીઠી બોધવાળી વાર્તાઓ સાંભળીને? સરસને? ચાલો આજે આપણે બકા જમાદારની નવી વાર્તા કરીએ.

 

 

 

વાર્તા નં ૨

      બકા જમાદારના દાદા એટલે બકોર પટેલ ખૂબ જ સમજદાર. તેવા જ બકા જમાદાર. એક વાર તે ભરબપોરે શેરીમાં નીકળ્યા, શેરી તો સૂમસામ, ચકલું ય ન ફરકે. તેઓ વિચારમાં પડ્યા આમ કેમ? અમે તો નાના હતા તો આખી શેરી રજાઓ પડે કે અમારા અવાજથી ધમધમી ઉઠતી ને આજના બાળકો ઘરકૂકડી કેમ?

      અંતે ન રહેવાયું એટલે એ તો તેમના મિત્ર ઘેટાભાઈને ત્યા પહોંચ્યા. ત્યાં બધા ગાડરાં તો હાથમાં મોબાઈલ લઈ રમે. તમને ખબર છે ને જેમ માનવના છોકરા બાળક કહેવાય તેમ...

  • ઘેટાના બચ્ચા ગાડરા
  • ગધેડાના બચ્ચા ખોલકા
  • ગાયના બચ્ચા વાછરડા
  • ઘોડાનાં બચ્ચા વછેરા
  • ભેંસના બચ્ચા પાડા
  • કૂતરાના બચ્ચા ગલૂડિયા

      બધા જ ભેગા તેમના લવારિયા પણ મોબાઈલથી રમે. બકા જમાદારને થયું અરે ભગવાન! શુ થશે આ બાળકોનું?

     યાદ આવ્યા એમને ઝાડ પરના ઝૂલા, ગિલ્લીદંડા, લખોટી ને પૈડાંનો ખડખડાટ ને ડોસીઓનો બડબડાટ! અરે પગથિયા પરનો લાંબો કૂદકો ને શેરી નાટકની તૈયારી..ને અહીં તો કેદ છે બધા બાળકો!
       ખરેખર આ બાળકોને બહાર કાઢવા રહ્યા. મંડ્યા એ તો દાઢીને ખંજવાળવા પણ તુક્કો મળે નહિ. ઉપડ્યા એ તો એમના મિત્ર ગધાભાઈ પાસે. પણ મંદબુદ્ધિના ગધાભાઈ પાસે ઉપાય મળ્યો નહિ.. હવે એમને થયું આપણાંમા ચતુર કોણ? બોલો બાળકો પ્રાણીઓમાં ચતુર કોણ? હ.મ.મ.મ.મ, અરે ચતુર તો શિયાળભાઈ. શિયાળભાઈએ તો ઉપાય કર્યો. શેરીમાં હવે ઘરમાં રમાતી રમત અને મેદાનમાં રમાતી રમતની હરીફાઈ યોજીએ તો?

      બકા જમાદારે તો ઘરે ઘરે હરીફાઈની વાત પહોંચાડી ને ઈનામ મળશે એમ જાહેર કર્યુ. હવે
શેરીના બધા બાળકો પોતપોતાના રસ(રૂચિ) મુજબ ભાગ લેવા તૈયાર થયા ને બકા જમાદારની યોજના તો બરાબર કામ કરી ગઈ. શેરી તો તમારા જેવા બાળકોની કિકિયારીઓથી ગુંજવા લાગી. બાળકો સાચું કહેજો તમને બધા સાથે ભેગા રમવું ગમે કે ઘરની જેલમાં ગોંધાઈ ને?

     તમને ખબર છે મોબાઈલના વધુ વપરાશથી આંખ, કાન ને શરીરની ચામડી તેમ જ શરીરની સ્થૂલતા વધે. માટે ચાલો ફરી ગિલ્લીદંડા, લખોટી કે વાર્તા વાર્તા રમીએ જેમ અહી રમીએ છીએ. કેવી મજા આવે જો વૃક્ષો સાથે દોસ્તી કરીએ. એના છાંયડે મીઠા પવનની લહેરખીને સ્પર્શીએ. બાળગીતો ગાઈએ ને બકા જમાદાર જેવા દાદાજીના હાથે ઈનામ મેળવીએ. બધાએ બકા જમાદારનો આભાર માન્યો ને હવે શેરી બાળકોની કિકિયારીઓથી ધમધમી ગઇ!

      ચાલો હવે આવતા મંગળવારે ફરી મળીશુ નવી વાત ને નવી ખુશી લઈને. રજાની મજા માણો..ન અભ્યાસ નશાળા..કેવી મજા. ગમ્યું તો ફરી મળીશું.    

પ્રતિલિપિ પર તેમની રચનાઓ અહીં ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *