- નિરંજન મહેતા
ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ
કોઈ બનાવ બનતા પહેલા તેને કારણે ભવિષ્યમાં શું બનવાનું છે તેના ઉપર વાદવિવાદ અને મનદુ:ખ થાય ત્યારે આ કહેવત કહેવાય છે.
એક વ્યક્તિને ભેંસ લેવાનો વિચાર થયો. આ વિચાર તેણે તેની પત્નીને જણાવ્યો. પત્નીએ સવાલ કર્યો કે, "ભેંસ લઈને શું ફાયદો?"
તે વ્યક્તિએ જવાબ આપ્યો કે, "ભેંસના દુધથી આપણા બાળકોને તાકાત તો મળશે પણ ત્યાર પછી વધેલા દૂધને આપણે વેચી શકશું. આના કારણે આપણે ધન કમાઈ શકશું. વળી દૂધ વેચતા પણ વધે તો તે દહીં છાશ બનાવવા કામ આવશે અને તે પણ વેચી શકાય."
તેની પત્ની બોલી કે, "છાશ તો આપણે ગામમાં મફત પણ આપી શકીએ. તેને વેચવાની શું જરૂર છે?"
પતિએ આ વાતનો વિરોધ કર્યો અને વાતવાતમાં મોટો ઝગડો થઇ ગયો.
આ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા અને શું વાત છે તે જાણવા પ્રયત્ન કર્યો. વાતને અંતે બધાને ઝગડાનું મૂળ સમજાયું એટલે એક વૃદ્ધ ડોસો બોલ્યો કે, "અલ્યાઓ હજી તો ભેંસ લેવાનો વિચાર જ કર્યો છે અને ભેંસ તો આવી પણ નથી અને અત્યારે તમે તે માટે ઝગડી રહ્યા છો? આ તો ભેંસ ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધમાધમ જેવી વાત થઈ."
આ સાંભળી બંને પતિ પત્ની શરમાઈ ગયા.