દરિયાલાલ

મનીષા મહેતા         કહી દઉં કે હું જે લખવા જઈ રહી છું તેને દરિયા સાથે કોઈ સંબંધ નથી.

      વતનમાં અમારા ઘરે જાંબુનું વિશાળ ઝાડ, જાતે જ ઊગી ગયેલું. જાંબુની સિઝનમાં જાંબુડાંથી લચી પડે. શેરીનાં બાળકોનો તો અમારાં ફળિયામાં પડાવ જ થઈ જાય. ગામનાં દરેક સગાં, સંબંધી, મિત્રો સહુ આ મધ મીઠાં જામ્બુની રાહ જોતાં હોય, અને સહુને યાદ કરી કરીને જામ્બુ ભરેલી થેલીઓ પહોંચાડવાનું કામ અમારે રોજ ચાલે..કેમ કે એ જામ્બુમાં મીઠાશ ગજબની હતી.

      થોડે દૂર શેરીનાં નાકે એક કરિયાણાંની નાનકડી હાટડી હતી. ખાસ કશું ત્યાં મળે નહીં, પણ એક કાકા ત્યાં વેપારના નામે સમય પસાર કરે. એ દુકાનનું નામ દરિયાલાલ. અમે સહુ વધુ પંચાતમાં પડ્યાં વગર એ કાકાને જ દરિયાલાલ કહીને બોલાવતા થઈ ગયેલા.

      એક દિવસ હું ક્યાંક જતી હતી. મને રોકી અને એ કાકાએ કહ્યું " બેન, મને સંકોચ થાય છે માંગતા, પણ તમે સહુને આટલાં બધાં જામ્બુ મોકલો છો..તો મને આપો ખરાં ? મને ઊંચું ડાયાબિટીશ છે અને જામ્બુના ઠળિયાં એની દવા છે..બજારમાં આવા જાંબુનો ભાવ ઘણો હોય..તમને યોગ્ય લાગે તો..."

    "ભલી થાય તમારી દરિયાલાલભાઈ....બહુ મોડું બોલ્યાં તમે.."
જરા તીખાં અવાજે મીઠો ઠપકો આપી અને આજે જ જામ્બુ મોકલાવી આપું એવું કહીને હું નીકળી ગઈ..

    એ દિવસે તો મને ઘરે પહોંચતા રાત પડી અને એમને જામ્બુ આપવા નિકળાયું નહીં. બીજા દિવસથી રોજ જાંબુની થેલી ભરી એમને આપવા જઉં, અથવા બાળકો સાથે મોકલું તો દુકાન બંધ જ હોય.

   એક દિવસ, બે દિવસ...ત્રણ.. ચોથા દિવસે એમના દીકરાએ દુકાન ખોલી.
જાણવાં મળ્યું કે ત્રણ દિવસ પહેલાની રાત્રે દુકાનેથી ઘરે પહોંચતાં જ દરિયાલાલની તબિયત લથડેલી...હેવી ડાયાબિટીશે એમને ચિરનિંદ્રા...

     ત્યારથી જાબુંને જોતા જ દરિયાલાલ યાદ આવી જાય છે. મનમાં કશુંક ચરચરી જાય છે.

કોણ મોડું પડ્યું ? અને અમે પાડોશીને જ કેમ ભૂલ્યાં..??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *