શેષન અને માનવતાનું ઝરણું 18 June 2020 suresh jani જ્યારે તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર હતા ત્યારે તેઓ પત્ની સાથે પિકનિક માટે ઉત્તર પ્રદેશની યાત્રા કરી રહ્યા હતા. રસ્તામાં તેઓએ જોયું કે કેરીની મોટી મોટી વાડીઓ હતી. કેરીનાં વૃક્ષોને ધ્યાન દઇને જોયું તો એના પર ઘણી બધી ચકલીઓના માળા હતા. અને વાડી પણ ચકલીઓની ચીં ચીં.. ચીં ચીં...થી ગુંજતી હતી. શેષન અને તેમના પત્નીએ આ જોયું. તેમના પત્નીને આ નજારો ઘણો જ ગમી ગયો. શેષન અને તેમના પત્ની બંને જણ ગાડીમાંથી ઊતર્યાં અને વાડીમાં ગયાં. તેમની પત્નીને પંખીના માળા ઘણા ગમી ગયા. તેઓ બે માળાઓ ઘરે લઈ જવા માગતાં હતાં. તેમણે પોલીસ એસ્કોર્ટને વાત કરી. પોલીસ એસ્કોર્ટે એક નાના છોકરાને બોલાવ્યો, જે નજીકના ખેતરોમાં ગાયો ચરાવી રહ્યો હતો અને તેને માળા નીચે લાવી આપવા જણાવ્યું અને તેને રૂ .૧૦ આપવાની ઓફર કરી. છોકરાએ ના પાડી, તેથી શેષને ઓફર વધારીને રૂ .૫૦ કરી દીધી. પોલીસ કર્મચારીએ છોકરાને માળો કાઢી આપવા આદેશ કર્યો કેમ કે શેષન મોટા અધિકારી હતા. છોકરાએ શેષન અને તેની પત્નીને કહ્યું ‘સાબજી, તમે ગમે તેટલા વધારે પૈસા આપો તો પણ હું ઝાડ પરથી માળા કાઢીને આપીશ નહીં.’ તેણે આગળ કહ્યું, ‘તે માળામાં, ચકલીના બચ્ચાઓ હશે, જો હું તમને તે માળાઓ આપીશ, તો સાંજના સમયે તેમની માતા બાળકો માટે ખોરાક લઇને પાછી ફરશે અને તેને ત્યાં માળો નહીં દેખાય, તેના બચ્ચાં નહીં દેખાય તો તેને ઘણું દુ:ખ થશે. એ કલ્પાંત કરી મૂકશે. એ મારા દિલથી નહીં જોવાય.’ આ સાંભળીને શેષન અને તેની પત્ની ચોંકી ગયાં. શેષન કહે છે કે, મારો ગર્વ અને આઈ.એ.એસ.ની પદવીનું ગુમાન તે નાના છોકરા સામે ઓગળી ગયું. એ બાળક સામે પહેલી વાર મેં વામન જેવો અનુભવ કર્યો. ક્યાં આ નાના બાળકની માનવતા અને ક્યાં હું રાઇના દાણાની જેમ તેની સામે હતો. ‘તેઓએ ચકલીના માળા લઇને જવાની તેમની ઇચ્છા છોડી દીધી અને પાછા ફર્યા. પછી, આ ઘટના તેમને દિવસો સુધી અપરાધભાવથી ત્રાસ આપતી રહી. શિક્ષણ, સ્થાન અથવા સામાજિક દરજ્જો ક્યારેય માનવતાના માપદંડ ના બની શકે. તમે ભલે ઘણું ભણ્યા હો, ઘણી ડિગ્રી લીધી હોય, તમારો મોટો સામાજિક દરજ્જો હોય, સમાજમાં તમારુ નામ હોય, પરંતુ તમારામાં જો બીજા પ્રત્યે લાગણી, સહાનુભૂતિ, દયાભાવ, માનવતા નહીં હોય તો આ બધું જ નિરર્થક છે. બીજાનું દુ:ખ જોઇને તમારુ દિલ દુભાય તો તમારા હૃદયમાં માનવતાનું ઝરણું વહી રહ્યું છે એમ માનજો.